અજિત પવાર અંગે શરદ પવારે આપ્યું મહત્વનું નિવેદન, અને કહ્યું-`આ ગોવા નથી મહારાષ્ટ્ર છે`
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના અને કોંગ્રેસે સોમવારે મુંબઈની હયાત હોટલમાં પોતાના ધારાસભ્યોની પરેડ કરાવી અને એકજૂથ રહેવાના શપથ લેવડાવ્યાં. આ બેઠકમાં શરદ પવારે તમામ ધારાસભ્યોને સંબોધન કરતી વખતે બળવાખોર બનેલા પોતાના ભત્રીજા અજિત પવારને પણ બરાબર આડેહાથ લીધા.
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના અને કોંગ્રેસે સોમવારે મુંબઈની હયાત હોટલમાં પોતાના ધારાસભ્યોની પરેડ કરાવી અને એકજૂથ રહેવાના શપથ લેવડાવ્યાં. આ બેઠકમાં શરદ પવારે તમામ ધારાસભ્યોને સંબોધન કરતી વખતે બળવાખોર બનેલા પોતાના ભત્રીજા અજિત પવારને પણ બરાબર આડેહાથ લીધા. તેમણે કહ્યું કે અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવવામાં આવ્યાં છે. હવે તેઓ કોઈ નિર્ણય લઈ શકે તેમ નથી. આ ઉપરાંત તેમણે ભાજપને પણ બરાબર સંભળાવ્યું. તેમણે કહ્યું કે ફ્લોર ટેસ્ટના દિવસે અમારા 162 કરતા વધુ ધારાસભ્યો હશે, આ ગોવા નથી મહારાષ્ટ્ર છે.
શિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ
અજિત પવાર પર આપ્યું નિવેદન
અજિત પવારના નિર્ણય અંગે બોલતા શરદ પવારે કહ્યું કે ભાજપ સાથે સરકાર બનાવવાનો અજિત પવારનો નિર્ણય પાર્ટીનો નિર્ણય નથી. તેમની સાથે જે કોઈ નેતાઓ ગયા હતાં તેમને ભ્રમિત કરીને લઈ જવાયા હતાં. હવે અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવાયા છે. કોઈ પણ પાર્ટી વિરુદ્ધ જશે નહીં. અજિત પવાર સાથે કોઈ જશે નહીં, આ વાતની જવાબદારી મારી છે.
શરદ પવારે એમ પણ કહ્યું કે અજિત પવાર વિરુદ્ધ કાર્યવાહી કરશે, તેઓ કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકશે નહીં. વિધાનસભામાં બહુમત સાબિત કરવા દરમિયાન થનારા મતદાનમાં વ્હિપ ન માનનારા વિધાયકો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. પવારે કહ્યું કે અજિત પવારને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં. તેમણે તેનો દુરઉપયોગ કર્યો. બધાને ગેરમાર્ગે દોર્યાં. અમે અજિત પવારને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. અમે કાયદાના વિશેષજ્ઞોની પણ સલાહ લીધી છે. અજિતને કાઢ્યા બાદ કોઈ નિર્ણય લઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે શિવસેના અને કોંગ્રેસની સાથે ગઠબંધન માત્ર સરકાર બનાવવા માટે નથી કરાયું પરંતુ લાંબા સમયની રાજનીતિને ધ્યાનમાં રાખીને કરાયું છે.
Maharashtra: રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ફડણવીસનો માસ્ટરસ્ટ્રોક!, ખેડૂતો માટે કરી મોટી જાહેરાત
ફ્લોર ટેસ્ટના દિવસે અમારી સાથે 162થી વધુ ધારાસભ્યો હશે
શરદ પવારે વધુમાં કહ્યું કે જે દિવસે ફ્લોર ટેસ્ટ થશે તે દિવસે 162થી વધુ ધારાસભ્યો અમારી સાથે હશે. જે લોકો અનૈતિક રીતે સરકારમાં આવ્યાં છે, તેમને સત્તામાંથી હટાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ અમારા ધારાસભ્યો તૈયાર રહેશે. શરદ પવારે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે આ ગોવા નથી, આ મહારાષ્ટ્ર છે. ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વગર શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રના કુલ 288 ધારાસભ્યોમાંથી મોટાભાગના હોટલમાં હાજર છે. કર્ણાટક, ગોવા, મણિપુરમાં બહુમત ન હોવા છતાં તેમણે પાવરનો દુરઉપયોગ કરીને સરકાર બનાવી. દેશનો ઈતિહાસ હવે બદલાશે, જેની શરૂઆત મહારાષ્ટ્રથી થશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube